CATEGORIES

April 2024
MTWTFSS
1234567
891011121314
15161718192021
22232425262728
2930 
April 23, 2024

માણસ જીવનની વ્યાખ્યા ભૂલી ગયો છે

લેખક: દુર્ગેશ ઉપાધ્યાય

26 Mar. Vadodara: આજે માણસ દુઃખી છે, તેનું કારણ એ જીવનની ખરી રીતભાત, જીવનની ખરી વ્યાખ્યા ભૂલી ગયો છે. એ જીવનને પૈસા, સુખભોગ ,સગવડો વિગેરે સાથે જોડીને મેળવવા સતત દોડધામ કરી રહ્યો છે. જીવનને ખોટા રસ્તે તેજ રફતારથી દોડાવી રહ્યો છે. જ્યાં અંતે કશું જ શાશ્વત પ્રાપ્ત થવાનું નથી. એનો સમય પૂરો થશે અને એની દોડ ગમે ત્યાં ગમે ત્યારે અધુરી અટકી જવાની છે. એવી ધ્યેય વિનાની દોડ શું કામની?

સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે , ‘પરમાત્માએ આપણને અહીં જીવન જીવવા માટે અવતાર આપ્યો છે, એ યાદ રાખવું જોઈએ.’આ વાત તો સાવ સાચી છે ,પણ આજે એ ભુલાઈ ગયું છે .માણસ જીવનની વ્યાખ્યા ભૂલી ગયો છે ,એટલે એ દુઃખી છે. માત્ર ભોગ, સગવડો વધારવી કે પૈસા માટેના પ્રયત્નો જીવનને ભીંસી દે છે. સુખ માટેના એ ખરા પ્રયત્નો નથી .આવું સુખ સંતોષ માં છે, એમ શાસ્ત્રો કહે છે. આ સંતોષ શબ્દ જીવન માંથી નીકળી ગયો છે. ખૂબ ઓછા લોકો સંતોષ વડે જીવી શકે છે. મહદંશે લોકો અસંતોષી છે ,જેનું કારણ એમની ખોટી અને ઉંચી વધતી જતી અપેક્ષાઓ છે. પૈસા માટેના પ્રયત્નો કે અન્ય નિરર્થક પ્રયત્નોને જીવનમાં શાંતિ અને મોક્ષ માટેના પ્રયત્નોમાં વાળી શકાય તો જગતમાં દુઃખ જોવા ન મળે. મોક્ષનો માર્ગ આમ તો અધ્યાત્મનો છે ,પણ શાંતિનો માર્ગ સર્વસામાન્ય છે .તેમાં ઝાઝી માથાકૂટ કે જ્ઞાનની જરૂર નથી. શાંતિ માટેનો સીધો માર્ગ છે. એ ઓછો કપરો છે.

જીવનનો ખરો અર્થ સ્વ માટે તો ખરોજ પણ પરમાર્થ માટે પણ જીવવું ,અન્યને મદદરૂપ થવું, દરેક જીવોને સમાન ગણી અનુકંપા રાખવી, એ સાચો અર્થ છે ,જીવનનો મર્મ છે. જે શાશ્વત છે તેની શોધ ન હોય. સૂર્ય શાશ્વત છે , એને દિવસ ઊગે શોધવા જવો પડતો નથી. એમ સુખ એ શાશ્વત ગુણ છે. એને માણસે બીજે શોધવા જવાની જરૂર નથી. તમારી અંદર પડેલું જ છે, તેને બહાર નીકળવાની તક આપો. તમે શાંત ચિત્તે વિચારશો તો સુખ આપોઆપ જ પ્રગટ થશે. સાચું સુખ શેમાં છે, એ સમજાઈ જશે. માણસે જાતે જ પોતાનું જીવન સંઘર્ષમય અને ગૂંચવાડાવાળું બનાવી દીધું છે.જરા સરળ અને સહેલું જીવવાની કોશિશ તો કરી જુઓ.તમારા જીવનનો ખરો માર્ગ તમને મળી જશે. સાથે તમે તમારા પરિવારને પણ શાંતિ, આનંદ આપી શકશો.જરૂર છે જીવનની ખરી વ્યાખ્યા વિચારવાની.